Public Issue
ફાઇબર ગ્લાસ રિઇનફોર્સ્ડ પોલિમર પ્રોડક્ટ્સના ઉત્પાદન અને સપ્લાય સાથે સંકળાયેલી અગ્રણી કંપની અમદાવાદ સ્થિત એરોન કમ્પોઝિટ લિમિટેડ તેના એસએમઈ પબ્લિક ઇશ્યૂમાંથી રૂ. 56.10 કરોડ સુધીની રકમ એકત્રિત કરવાની યોજના બનાવી રહી છે. કંપનીને નેશનલ સ્ટોક એક્સચેન્જના એનએસઈ ઇમર્જ પ્લેટફોર્મ પર તેનો પબ્લિક ઇશ્યૂનું લિસ્ટિંગ કરવાની મંજૂરી મળી છે. પબ્લિક ઇશ્યૂ 28 ઓગસ્ટના રોજ સબસ્ક્રીપ્શન માટે ખૂલશે અને 30 ઓગસ્ટે બંધ થશે. પબ્લિક ઇશ્યૂની આવકમાંથી રૂ. 39 કરોડની રકમનો ઉપયોગ ગુજરાતના મહેસાણામાં મેન્યુફેક્ચરિંગ યુનિટની સ્થાપના માટે મૂડી ખર્ચની જરૂરિયાતોને ભંડોળ આપવા માટે તથા સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે કરવામાં આવશે. હેમ સિક્યોરિટીઝ લિમિટેડ ઇશ્યૂની બુક રનિંગ લીડ મેનેજર છે.
રૂ. 56.10 કરોડના આઈપીઓમાં રૂ. 10ની ફેસ વેલ્યુના 44.88 લાખ ઇક્વિટી શેરના ફ્રેશ ઇશ્યૂનો સમાવેશ થાય છે. કંપનીએ પબ્લિક ઇશ્યૂ માટે ઇક્વિટી શેર દીઠ રૂ. 121-125ની પ્રાઇસ બેન્ડ ફિક્સ કર્યો છે. રિટેલ રોકાણકારો માટે લઘુત્તમ લોટ સાઈઝ 1,000 શેર છે જે શેર દીઠ રૂ. 125ના અપર પ્રાઇઝ બેન્ડ પર રૂ. 1,25,000ના લઘુત્તમ રોકાણ જેટલું થાય છે. આઈપીઓ માટે રિટેલ રોકાણકારોનો ક્વોટા નેટ ઓફરના લઘુતમ 35 ટકા, એચએનઆઈ ક્વોટા ઓફરના લઘુતમ 15 ટકા અને ક્યુઆઈબી ભાગ ઓફરના 50 ટકા રાખવામાં આવ્યો છે.
વર્ષ 2011માં સ્થાપાયેલી એરોન કમ્પોઝિટ લિમિટેડ વિવિધ ઔદ્યોગિક ઉપયોગો માટે તૈયાર કરેલા એફઆરપી પલ્ટ્રુડેડ પ્રોડક્ટ્સ, એફઆરપી મોલ્ડેડ ગ્રેટિંગ્સ અને એફઆરપી રોડ્સ સહિતની ફાઇબર ગ્લાસ રિઇનફોર્સ પોલીમર પ્રોડક્ટ્સ એટલે કે એફઆરપી પ્રોડક્ટ્સના ઉત્પાદન અને સપ્લાયના વ્યવસાયમાં સંકળાયેલી છે. એફઆરપી પ્રોડક્ટ એ કમ્પોઝિટ મટિરિયલ છે જે ફાઇબર ગ્લાસ, કાર્બન કે એરામિડ જેવા ફાઇબર્સ સાથે રિઇનફોર્સ્ડ કરેલા પોલિમર મેટ્રિક્સ (રેઝિન) ધરાવે છે. આ સંયોજન કાટ પ્રતિરોધક, રાસાયણિક પ્રતિરોધક, ખૂબ જ શક્તિશાળી, હળવા વજનના ગુણધર્મો, ઇલેક્ટ્રિકલ અને થર્મલ નોન-કન્ડક્ટિવિટી સહિતના લાભો આપે છે. કંપની વ્યાપક સોલ્યુશન્સ પ્રદાન કરે છે જેમ કે કન્સેપ્ચ્યુઅલ ડિઝાઇન, પ્રોટોટાઇપ વિકસાવવા, પરીક્ષણ, ઉત્પાદન, લોજિસ્ટિક સપોર્ટ, ઇન્સ્ટોલેશન અને વેચાણ પછીની સેવાઓનો સમાવેશ થાય છે.
ISO 9001:2015 દ્વારા પ્રમાણિત કંપનીનું ઉત્પાદન એકમ અમદાવાદના ચાંગોદર ખાતે સાકેત ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલું છે અને તે 26,320 ચોરસ મીટરમાં ફેલાયેલું છે. ઉત્પાદન એકમ એફઆરપી પલ્ટ્રુડેડ પ્રોડક્ટ્સ, એફઆરપી હેન્ડરેઇલ્સ, એફઆરપી કેબલ ટ્રે, એફઆરપી ફેન્સીંગ, એફઆરપી મોલ્ડેડ ગ્રેટીંગ્સ, એફઆરપી ક્રોસ આર્મ, એફઆરપી પોલ્સ, એફઆરપી રોડ્સ અને સોલર પેનલ્સ (એમએમએસ) માટે મોડ્યુલ માઉન્ટિંગ સ્ટ્રક્ચર્સની ડિઝાઇન, ઉત્પાદન અને સપ્લાય માટે પ્રમાણિત છે. કંપની 30થી વધુ દેશોમાં નિકાસ કરે છે.
કંપનીએ વર્ષોથી શ્રેષ્ઠ ઓપરેશનલ અને નાણાંકીય કામગીરી દર્શાવી છે. કંપનીએ વર્ષોથી આવક અને નફાકારકતામાં અનેક ગણી વૃદ્ધિ જોઈ છે. નાણાંકીય વર્ષ 2023-24 માટે (ફેબ્રુઆરી, 2024 સુધી), કંપનીએ રૂ. 9.42 કરોડનો ચોખ્ખો નફો (ચોખ્ખા નફાનું માર્જિન 5.26 ટકા), એબિટા રૂ. 14.27 કરોડ (એબિટા માર્જિન 7.97 ટકા) અને કામગીરીમાંથી રૂ. 179.14 કરોડની આવક નોંધાવી છે. નાણાંકીય વર્ષ 2022-23ના સંપૂર્ણ વર્ષ માટે, કંપનીએ રૂ. 6.61 કરોડનો ચોખ્ખો નફો (ચોખ્ખા નફાનું માર્જિન 3.69 ટકા), એબિટા રૂ. 9.82 કરોડ (એબિટા માર્જિન 5.48 ટકા) અને કામગીરીમાંથી રૂ. 179.38 કરોડની આવક નોંધાવી હતી.
ફેબ્રુઆરી 2024 સુધીમાં, કંપનીની નેટવર્થ રૂ. 34.78 કરોડ, રિઝર્વ અને સરપ્લસ રૂ. 33.21 કરોડ અને એસેટ બેઝ રૂ. 99.79 કરોડ નોંધવામાં આવ્યો હતો. ફેબ્રુઆરી 2024 સુધીમાં, કંપનીનો આરઓઈ 31.33 ટકા, આરઓસીઈ 29.67 ટકા અને આરઓએનડબ્લ્યુ 27.09 ટકાએ હતો તથા ડેટ/ઇક્વિટી રેશિયો 0.35 ગણાના સ્વસ્થ સ્તરે હતો. પબ્લિક ઇશ્યૂ પછી કંપનીમાં પ્રમોટર ગ્રૂપનું શેરહોલ્ડિંગ 73.63 ટકા રહેશે. કંપનીના શેર એનએસઈના ઇમર્જ પ્લેટફોર્મ પર લિસ્ટ થશે.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.