ગુજરાતમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસ સતત વધી રહ્યાં છે. ત્યારે યોગ્ય સારવાર અને કાળજીને કારણે મોટી સંખ્યામાં દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફરી રહ્યાં છે. છેલ્લા કેટલાક દિવસોથી ગુજરાતમાં 400થી વધારે દર્દીઓ સાજા થઈને હોસ્પિટલમાંથી ઘરે પરત ફરી રહ્યાં છે. જેના કારણે ગુજરાતના રિકવરી રેટમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં સૌથી વધારે રિકવરી રેટ ગુજરાતનો જ 48.13 ટકા ઉપર પહોંચ્યો છે. જ્યારે દેશમાં રિકવરી રેટ 41 ટકાથી વધારે છે. રાજ્યમાં એક સપ્તાહ પહેલા રિકવરી રેટ 40.89 ટકા હતો. જેમાં વધારો થયો છે.
ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 376 કેસ નોંધાયા હતા. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં પોઝિટિવ કેસનો આંકડો વધીને 15 હજારને પાર ગયો છે. આ ઉપરાંત વધારે 23 લોકોના મોત થતા કોરોના મહામારીમાં મૃત્યુઆંક વધીને 938 પર પહોંચ્યો છે. 24 કલાકમાં 410 લોકો સાજા થતા તેમને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાને મ્હાત આપીને સાત હજારથી વધારે લોકો સાજા થયાં છે.
24 કલાકમાં સૌથી વધારે અમદાવાદમાં 256 પોઝિટિવ કેસ નોંધાયાં હતા. આવી જ રીતે સુરતમાં 34, વડોદરામાં 29, મહીસાગરમાં 14, વલસાડમાં 10, સુરેન્દ્રનગરમાં 6, ગાંધીનગરમાં 5, નવસારીમાં 4, રાજકોટમાં 3, આણંદ, પાટણ, કચ્છમાં બે-બે, ભાવનગર, મહેસાણા, પંચમહાલ, બોટાદ, છોટાઉદેપુર, પોરબંદર અને અમરેલી ખાતે એક-એક કેસ નોંધાયો હતા.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.