“Har Ghar Tiranga”
આગામી ૧૫મી ઓગષ્ટ સ્વતંત્રતા સપ્તાહ દરમ્યાન લોકોમાં રાષ્ટ્રધ્વજ અને દેશ માટે ગર્વની ભાવના ઉજાગર થાય તેવા આશયથી તા.૧૦ થી તા.૧૩મી સુધી “હર ઘર તિરંગા” અંતર્ગત રાજયભરમાં તિરંગાયાત્રા યોજાશે.
સુરત ખાતે ‘હર ઘર તિરંગા’ અભિયાન હેઠળ મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં તાઃ૧૧મી ઓગષ્ટના રોજ રવિવારે સાંજે ૬.૦૦ વાગે વાય જંકશનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ સુધી બે કિલો મીટર સુધી ભવ્ય તિરંગા યાત્રા યોજાશે. બે કિ.મી. ના રૂટમાં ૧૦ જેટલા સ્ટેજ બનાવવામાં આવશે જેમાં સંગીતની સુરાવલીઓ સાથે દેશભક્તિ સભર સાંસ્કૃતિક કાર્યક્રમો કલાકારો દ્વારા રજુ કરવામાં આવશે.
વાય જંકશનથી શરૂ થનારી તિરંગાયાત્રામાં પ્રથમ સ્કેટિંગના રમતવીરો, સાયકલિસ્ટો, પોલીસ બેન્ડ, શૈક્ષણિક સંસ્થાઓના બેન્ડ તથા બ્લોક વાઈઝ એસોસિયેશનોના પ્રતિનિધિઓ, કોલેજ-શાળાઓના વિધાર્થીઓ, સામાજિક અને સ્વૈચ્છિક સંસ્થાઓ, યોગબોર્ડના કર્મીઓ મોટી સંખ્યામાં હાથમાં રાષ્ટ્ર ધ્વજ સાથે તિરંગાયાત્રામાં જોડાશે. આ ઉપરાંત ભારત ભારતીય સંસ્થા હેઠળ સમગ્ર ભારતના ૧૫ રાજયોના સુરત વસતા નાગરિકો પોતાની પરંપરાગત વેશભુષામાં સજ્જ થઈને તિરંગાયાત્રામાં જોડાઈને એક ભારત શ્રેષ્ઠ ભારતની ઉકિતને સાકારિત કરશે.
તિરંગા યાત્રા ઉજવણીના આયોજન અર્થે જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં જિલ્લા કલેકટર ડો.સૌરભ પારધી, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ સહિતના અધિકારીઓની ઉપસ્થિતિમાં શાળા-કોલેજો, યુનિવર્સિટી, ચેમ્બર્સ ઓફ કોમર્સ, વિવિધ ઈન્ડસ્ટ્રીઝના પ્રતિનિધિઓ, સ્કેટિંગ સાયકલિસ્ટ એસોસિયેશનો, જીઆઈડીસીના પ્રમુખો તથા જિલ્લાના વિવિધ વિભાગો સાથે મળીને તિરંગાયાત્રાના સુચારૂ આયોજન અર્થે બેઠક મળી હતી. બેઠકમાં જિલ્લા કલેક્ટરે શાળા-કોલેજના સંચાલકો, ઈન્ડસ્ટ્રીઝના પ્રેસિડેન્ટો, સાયકલીગ-સ્કેટિંગ એસોસિયેશનનો મોટી સંખ્યામાં તિરંગાયાત્રામાં જોડાવાની અપીલ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, મહાનગરપાલિકાના ડે.કમિશનર રાજેન્દ્ર પટેલ, સચીન-પાંડેસરા જીઆઈ.ડી.સી.ના પ્રતિનિધિઓ, પી.પી.સવાણી, એસ.ડી.જૈન હાઈસ્કુલ, ભગવાન મહાવીર યુનિ., સુરત ડાયમંડ એસો., ક્રેડાઈ, ફોગવા સહિતની વિવિધ ઈન્ડસ્ટ્રીઝોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.