Nilesh Kumbhani સુરત લોકસભાની બેઠક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલને તાસક પર ધરી દેનારા કોંગ્રેસી વિવાદાસ્પદ ઉમેદવાર નિલેશ કુંભાણી વિરૂદ્ધ હાલમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. બે દિવસ અગાઉ નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસી કાર્યકરો દ્વારા પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરવાની ઘટના બાદ આજે સવારે સુરત રેલવે સ્ટેશન ખાતે સિટી બસ અને રિક્ષાઓમાં નિલેશ કુંભારી વિરૂદ્ધ સ્ટીકરો ચોંટાડવામાં આવતાં હોબાળો મચી જવા પામ્યો છે. કોંગ્રેસી કાર્યકરોએ નિલેશ કુંભાણી ભાજપના દલાલનો દલાલ અને સુરતનો ગદ્દાર જેવા સૂત્રો સાથેના સ્ટીકરો ચિપકાવ્યા હતા.
રવિવારથી નિલેશ કુંભાણી ગાયબ :
ભારે વિવાદો વચ્ચે સુરત લોકસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચુંટાઈ આવ્યા છે. આ ઘટનાના છ દિવસ બાદ પણ કોંગ્રેસી ઉમેદવાર નિલેશ કુંભાણી વિરૂદ્ધ લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી છે. પોતાના સગા – સંબંધીઓને સમર્થક બનાવીને આખો ખેલ પાડનાર નિલેશ કુંભાણી હાલમાં ભુગર્ભમાં છે અને કોંગ્રેસી કાર્યકરો તો ઠીક નેતાઓના સંપર્કમાં પણ નથી. જેને પગલે સમગ્ર વિવાદમાં નિલેશ કુંભાણીની જ ભુંડી ભુમિકા હોવા અંગેના આક્ષેપો ઉઠી રહ્યા છે.
નિલેશ કુંભાણી કોના સંપર્કમાં ?
રવિવારથી જ અદ્રશ્ય થયેલા નિલેશ કુંભાણી હાલમાં ક્યાં અને કોના સંપર્કમાં છે તે અંગે ભારે ચર્ચા ઉઠવા પામી છે ત્યારે આજે વધુ એક વખત કોંગ્રેસી કાર્યકરો દ્વારા સુરત રેલવે સ્ટેશન ખાતે સૂત્રોચ્ચાર સાથે નિલેશ કુંભાણીના વિરોધમાં ઠેર – ઠેર સ્ટીકરો ચોંટાડવામાં આવ્યા હતા. સિટી બસ અને રિક્ષાઓ પર દલાલનો દલાલ… લોકશાહીનો હત્યારો અને મતદારોના મતાધિકાર પર તરાપ મારનારા ગદ્દાર નિલેશ કુંભાણીને શોધે છે સુરતના મતદારો જેવા સ્લોગન સાથેના સ્ટીકરો ચિપકાવવામાં આવ્યા છે.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.