Prevention Is Better Than Cure : રાજકોટ શહેરનો TRP ગેમ ઝોન, બાળકોના મનોરંજન અને આનંદનું કેન્દ્ર
Prevention Is Better Than Cure : ૨૫મી મે ૨૦૨૪ની કાળઝાળ ગરમીમાં બપોરે અચાનક ગેમ ઝોનમાં આગ ફાટી નીકળી.
આગે દહનશીલ પદાર્થોથી ભરેલ આ ગેમ ઝોનને જોતજોતામાં પોતાના ભરડામાં લઈ લીધો. ત્યાં ઉપસ્થિત લોકોના કહ્યાં પ્રમાણે આ અગન જ્વાળાઓ સાથે નાના ભૂલકા અને પુખ્ત વયના લોકોની ભયાનક ચીચકારીઓથી રાજકોટ શહેર ગુંજી ઉઠ્યું. આ ગંભીર ઘટના બાદ બે-ત્રણ દિવસ પછી ન્યૂઝ ચેનલોએ મૃત્યુઆંક એટલીસ્ટ ૩૩ જેટલો જણાવ્યો છે. અલબત્ત, તે વધુ પણ હોઈ શકે છે.
આ ઘટનાની તપાસ કરતાં સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમને જાણવા મળ્યું છે કે, આ ગેમ ઝોન પાસે ફાયર વિભાગ તરફથી આપવામાં આવતું નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ(NOC) હતું જ નહીં. આ ગેમઝોનના ઉદ્ઘાટન વખતે રાજકોટ જિલ્લાના મેજિસ્ટ્રેટ, પોલીસ કમિશ્નર, અને અન્ય સરકારી અધિકારીઓ કોલર ટાઇટ રાખીને હાજર હતા. આ માહિતી ગુજરાતના એક પત્રકારે ઘટના બાદ ઇન્સ્ટાગ્રામ એકાઉંટ ખંખોળીને પ્રસિદ્ધ કરેલ! આપણા પ્રામાણિક, હોંશિયાર, અને હા, યુપીએસસી પાસ કરેલા સરકારી બાબુઓ અજાણતા પોતાની ફરજો નિભાવવાનું ભૂલી ગયા.
હજુ હમણાં જ બે દિવસ પહેલાં દિલ્હીની એક હોસ્પિટલમાં લાગેલી આગમાં ૭ નવજાત બાળકોનો જીવ ગયો હતો. હોસ્પિટલની આસપાસ રહેતા પડોશીઓએ તેમની સલામતીને લઈને રહેલા જોખમ અંગે ચેતવણી પણ આપી હતી પરંતુ આ ચેતવણી તંત્રના બહેરા કાને પડી હતી. એક પખવાડિયા પહેલાં મુંબઈના ઘાટકોપર વિસ્તારમાં જાહેરાતનું મસમોટું બોર્ડ પડી ગયું હતું, જેણે ઓછામાં ઓછા ૩૫ લોકોના જીવ લીધા હતા. દાવામુજબ આ બોર્ડ એશિયાનું સૌથી મોટું જાહેરાતનું બોર્ડ હતું. ઘટના બાદ બીએમસી તેમજ સેન્ટ્રલ રેલવેએ દાવો કર્યો હતો કે તેઓને આ બોર્ડના અસ્તિત્વ વિશે કંઈ જાણકારી હતી જ નહીં. આટલું મોટું બોર્ડ છતાં પણ તેટલી જ મોટી અજ્ઞાનતાનો ડોળ. એકબીજા પર કાદવ ફેંકીને પોતાની જવાબદારીમાંથી છટકવાનો આ ખેલ હજી પણ ચાલુ છે.
દોઢ વર્ષ પહેલાં જ તો હજુ મોરબીમાં જુલતો પુલ તૂટી પડ્યો હતો અને ૧૫૦થી વધુ લોકોએ જીવ ગુમાવ્યા હતા. ત્યારબાદ વડોદરાના હરણી તળાવમાં શાળાના બાળકોને પર્યટન પર લઈ ગયેલી બોટ ડૂબી જતાં કેટલાય ભૂલકાંઓ પાણીમાં સમાઈ ગયાં. તેનાથી આગળ જોઈએ તો પાંચ વર્ષ પહેલા સુરતના સરથાણા વિસ્તારમાં આવેલ તક્ષશિલા આર્કેડના ચાલતા એક કોચિંગ ક્લાસમાં આગ ફાટી નીકળી હતી. તેમાં પણ ૨૨ નાના માસૂમ વિદ્યાર્થીઓનો જીવ ગયો હતો. પહેલાં તો સરકારી અધિકારીઓએ દ્વારા આ કોમ્પ્લેક્ષમાં ફક્ત આગ લાગવાની વાતને જ પકડી રાખવામાં આવેલ. પરંતુ લોકોના રોષ અને દબાણ વચ્ચે આ ઘટનાની ઊંડાણ પૂર્વક તપાસ થતાં બહાર આવ્યું કે ૧૨ વર્ષ પહેલાં આ વ્યાવસાયિક કોમ્પ્લેક્ષ ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું હતું. લ્યો, તો પણ તેની તો તંત્રને ક્યાંય ખબર જ નહીં!
તારીખ, સ્થળ, પીડિતો અને કારણોને બદલીએ તો આવી ઘટનાઓ હંમેશા પુનરાવર્તિત થતી આવી છે. આવી ઘટનાઓ દેખીતી રીતે ધંધાદારીઓના લોભ, કાયદાના અમલકર્તાઓની બિનજવાબદારી, રાજકારણીઓની અનુચિત દખલ અને ઉચિત ન્યાય તોળનારાઓના વિલંબને કારણે થાય છે. પરંતુ આવી ગંભીર ઘટનાઓ બાદ એક વસ્તુ વારંવાર અવગણવામાં આવે છે, તે છે આવી ઘટનાઓમાં થયેલ ભયંકર નુકસાનની પાછળના સાચાં કારણો.
આવા ગેરકાયદે ચાલતાં વ્યવસાયો જ્યારે પણ સફળ થાય છે ત્યારે તેની પાછળની તમામ આવક વેપારીઓ (અને અધિકારીઓ પણ) પોતાના ઘરે લઈ જાય છે. વિચારો કે જો રાજકોટમાં આ ગેમઝોન સળગ્યો ન હોત, તો આના માલિકોએ કેટલી કાળી કમાણીને ઘર ઘરભેગી કરી હોત? બીજી બાજુ આવી ઘટનાઓથી તેમને કોઈ ખાસ નુકશાનનો સામનો કરવો પડતો નથી. ઠીક છે, તેમના રોકાણમાં નુકસાન થયું ને થોડા સમય ધંધો બંધ થયો. વધુમાં વધુ કદાચ બે વર્ષની હવાબદલ માટે તેમને જેલમાં મોકલવામાં આવ્યા. એના પછી આપણું દયાળુ અને પરોપકારી ન્યાયતંત્ર તેઓને જામીન આપશે. આ બધું બન્યા બાદ તેમને અન્ય કોઈ ખાસ નુકસાન નથી. બહાર આવીને ભ્રષ્ટ અને સડેલ તંત્રના અધિકારીઓના મોઢાં પૈસાથી ભરીને તેઓ ગમે ત્યારે આવો જ કોઈ નવો વ્યવસાય શરૂ કરશે. સાથે જ લોકોની જિંદગી સાથે ફરીથી રમત રમશે.
બ્યુરોક્રસી(તંત્ર)ની બેદરકારી અથવા ભ્રષ્ટાચારને કારણે જ્યારે આવા ગેરકાયદેસર વ્યવસાયો વધે ત્યારે આવા લંપટોને ખૂબ ફાયદો થાય છે. સાથે જ તેમને આમાં કોઈ નોંધપાત્ર નુકસાન પણ નથી. ઉત્કૃષ્ટ કોટિના વિચારક, લેખક, અને ફિલોસોફર નાસીમ નિકોલસ તાલેબ કહે છે, ‘બ્યુરોક્રસી એ એક એવું સ્ટ્રકચર છે જે વ્યક્તિને તેના કરેલા કામોનાં પરિણામોથી સહેલાઈથી અલગ કરી દે છે.’ ટૂંકમાં તમે ગમે તે કામ કરો, ગમે તે રીતે કરો, પણ તેના માઠાં પરિણામ માટે દોષનો ટોપલો તમારા પર નહીં ઢોળવામાં આવે. આ લાઈન આપણાં તંત્રને ખૂબ સારી રીતે બંધબેસે છે. પોતાના સ્વાર્થ અને લોભના કારણે રાજકારણીઓ, અનૈતિક રીતે સરકારી વિભાગો પર દબાણ કરે છે. ત્યારબાદ વિલંબિત ન્યાય પ્રણાલીની જાળમાં ફસાવીને, પીડિતોની ધીરજની પરીક્ષા લઈને, આવી ઘટનાઓને સફેદ ચાદરથી ઢાંકીને આવે છે.
કહેવાતા આધુનિક સમયમાં જ્યારે આવી ઘટનાઓ બને છે ત્યારે તેના મૂળમાં રહેલ ભ્રષ્ટ અધિકારીઓએ ક્યાંય પણ તેની કોઈ જવાબદારી સ્વીકારી નથી. (યુપીએસસી અને જીપીએસસીના ઉમેદવારો સિસ્ટમને કેવી રીતે ઠીક કરવી તે અંગે હજાર શબ્દોનો કંટાળાજનક નિબંધ લખી શકે છે. પરંતુ મેઇન પોઇન્ટને સંબોધ્યા વિના.) જો કે, આપણી પ્રાચીન સંસ્કૃતિ મુજબ વ્યક્તિની જવાબદારી અને તેની સત્તા સમાંતર રીતે ચાલે છે. આ નરા સત્યને સ્વીકારવું જ પડશે કે, વ્યક્તિ તેના કાર્યોના પરિણામોથી ક્યારેય પણ બચી શકતો નથી.
૧૭૫૪ ઇસા પૂર્વ(આશરે ૪૦૦૦ વર્ષ પહેલાં)માં બેબીલોનના છઠ્ઠા રાજા હમ્મુરાબીએ હમ્મુરાબીનો કોડ બનાવ્યો. આ પૃથ્વીનું સૌથી જૂનું અને મૂળ સ્વરૂપમાં વાંચી શકાય તેવું લેખન છે. આ કોડમાં નિયમ #229 કહે છે, “જો કોઈ બિલ્ડર મકાન બનાવે છે અને તેનું બાંધકામ મજબૂત ન બને, જો તેનું બનાવેલ મકાન તૂટી પડે અને ઘરના માલિકનું મોત થાય તો બિલ્ડરને મૃત્યુદંડ આપવો.” આના પછીનો નિયમ કહે છે: “જો મકાન ઘરના માલિકના પુત્રનું મૃત્યુનું કારણ બને, તો તે બિલ્ડરના પુત્રને મારી નાખવો.” આ કોડ તે સમયની વસ્તુઓ સાથે સંબંધિત મુખ્ય કાયદાઓને આવરી લે છે. આપણાં કહેવાતા આધુનિક શાસન માટે પ્રાચીન કાયદાઓના સિદ્ધાંતોની પુનઃવિચારણા બ્લુપ્રિન્ટ આપી શકે છે. આધુનિક સમયમાં જવાબદાર સરકારી અધિકારીઓની બદલી કરાય છે અથવા તો ટૂંકા ગાળા માટે સસ્પેન્ડ કરાય છે. ઉપરથી સરકારે પીડિતોને વળતરરૂપે અઢળક પૈસા ચૂકવવા પડે છે. આવા સંજોગોમાં જવાબદાર સંડોવાયેલ અધિકારીઓ, નેતાઓ, અને ધંધાદારીઓ પાસેથી આ વળતર ચૂકવવું જોઈએ.
ભારતમાં રાજનીતિશાસ્ત્ર અને અર્થશાસ્ત્રના પ્રણેતા કૌટિલ્યે પણ ભ્રષ્ટાચાર વિશે સારી પેઠે સમજાવ્યું છે. તેમના અર્થશાસ્ત્ર ગ્રંથમાં, તેમણે તેર પ્રકારના અનિચ્છનીય અસામાજિક વ્યક્તિઓનો ઉલ્લેખ કર્યો છે જેઓ સમાજના લોકોને નુકસાન પહોંચાડીને ગુપ્ત રીતે સંપત્તિ એકઠી કરે છે. આ વ્યક્તિઓ છે: ભ્રષ્ટ ન્યાયાધીશો અને મેજિસ્ટ્રેટો, સરકારી અધિકારીઓ, ગામડાં-શહેરો-વિભાગોના આગેવાનો કે જેઓ લોકો પાસેથી પૈસા પડાવવાનો ધંધો કરે છે, ખોટી જુબાની આપનારા અને તેને ખરીદનારા, મેલીવિદ્યા કે કાળો જાદુ કરનારા, ઝેર વેચનારા, માદક દ્રવ્યોના વેપારી, નકલી અને કિંમતી ધાતુઓમાં ભેળસેળ કરી વેચનાર. કૌટિલ્ય આવા તમામ લોકો માટે લખે છે, “જ્યારે તેઓ ગુપ્તચરો દ્વારા પકડાય, ત્યારે કાં તો તેમનો દેશનિકાલ કરવો અથવા ગુનાની ગંભીરતાના પ્રમાણમાં પર્યાપ્ત દંડ વસૂલવો.” કૌટિલ્ય હજુ કહે છે, પ્રજા માટે કરવામાં આવતા કામોમાં જો સરકારી અધિકારીઓ કે ન્યાયાધીશો વિલંબ કરે તો તેમને પણ સજા કરવી. ગામમાં કે નગરમાં આગ ન લાગે તેના માટે શું કરવું તેની પણ માહિતી અર્થશાસ્ત્રમાં છે.
કૌટિલ્યે પોતે સક્ષમ રીતે રાજ્ય ચલાવવા માટે ચંદ્રગુપ્તને મદદ કરી હતી. એકદમ પ્રેક્ટિકલ રીતે તંત્રને કંટ્રોલમાં રાખીને આક્રાંતાઓ સામે યુદ્ધ કર્યું હતું. તેમનું પુસ્તક સદીઓ પછી પણ વહીવટકર્તાઓને રાજનીતિશાસ્ત્ર શીખવા માટે ભણાવવામાં આવતું. સ્વાભાવિક છે કે એમણે આપણા સમય કરતાં પણ નિકૃષ્ટ વ્યક્તિઓનો સામનો કર્યો હોય અને રાજપાટ કાયમ રાખ્યું હોય. તેમનું ડહાપણ કૂટી કૂટીને તેમના લખાણોમાં ભર્યું છે. વાંચવાની ફુરસદ કોને છે? રાજકોટ જેવી ગંભીર ઘટનાઓ રિપીટ ન થાય તેવી આશા રાખવી હાલ પૂરતી નઠારી છે. પહેલાં આ ભ્રષ્ટ તંત્રમાં જવાબદારીનું ભાન આવે ત્યારે કંઈક વિચારી પણ શકાય. આપણા સારા અને ઉજ્વળ ભવિષ્ય માટે આપણા ભૂતકાળના અનુભવોમાંથી માર્ગદર્શન મેળવવું પડશે. આગળના નુકસાનથી બચવા માટે વિરોધ કે લડત વિના કોઈ ફેરફાર નહીં થાય..!!!
તમે આ પણ વાંચી સકો છો :
તમે આ પણ વાંચી સકો છો :
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.