Priyanka Gandhi રાજ્યમાં લોકસભાની ચુંટણી હવે અંતિમ તબક્કામાં પહોંચી ચુકી છે. આગામી 7મી મેના રોજ યોજાનાર તમામ બેઠકો પર ચુંટણી પહેલાં પ્રચાર – પ્રસારમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આજે વલસાડ ખાતે ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર અનંત પટેલ દ્વારા યોજાયેલ જાહેર સભાને કોંગ્રેસના પ્રિયંકા ગાંધીએ સંબોધન કર્યું હતું.
કાળઝાળ ગરમી વચ્ચે ઉપસ્થિત વિશાળ જન મેદનીને સંબોધન કરતાં તેઓએ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ શાબ્દિક પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે, જેમની પાસે છેલ્લા 10 વર્ષમાં કરવામાં આવેલા વિકાસ કાર્યોનો રિપોર્ટ કાર્ડ નથી તે હવે હિન્દુ – મુસ્લિમ અને મંગળસુત્રની વાતો કરી રહ્યા છે. સુરત એરપોર્ટ પર પહોંચ્યા બાદ હેલિકોપ્ટરમાં ખામી સર્જાતા પ્રિયંકા ગાંધી સુરતથી ધરમપુર ખાતે બાય રોડ પહોંચ્યા હતા.
વલસાડ લોકસભા બેઠક પર કોંગ્રેસી ઉમેદવાર અનંત પટેલની સભા ગજવવા માટે આજે પ્રિયંકા ગાંધી સુરત એરપોર્ટ પર પહોંચ્યા હતા. જ્યાં સુરત શહેર અને પ્રદેશ કોંગ્રેસના અગ્રણી નેતાઓ દ્વારા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ તેઓ ત્યાંથી ધરમપુર જવા માટે રવાના થયા હતા. ધરમપુર પહોંચ્યા બાદ તેઓએ વિશાળ જનમેદનીને સંબોધિત કરતાં કેન્દ્ર સરકાર અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિરૂદ્ધ સખ્ત ટિપ્પણીઓ કરી હતી.
આદિવાસી સમાજનો ઉલ્લેખ કરતાં તેઓએ જણાવ્યું હતું કે, આઝાદી બાદ દેશના નાગરિકોના અધિકારોની સુરક્ષા માટે સંવિધાન લાગુ કરવામાં આવ્યું હતું. જેમાં જળ, જમીન અને જંગલ પ્રત્યે અનહદ આદર ધરાવતાં આદિવાસી સમાજ માટે વિશેષ જોગવાઈઓ કરવામાં આવી હતી. જો કે, હવે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ દ્વારા સંવિધાન બદલવાની વાત કરવામાં આવી રહી છે. જેને પગલે આદિવાસીઓ જ નહીં દલિત અને પછાત સમાજને મળી રહેલા અધિકારો છિનવાઈ જશે. હાલમાં મોદી સરકાર દ્વારા લોકતંત્રને નબળું કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે અને જેના અસરો પણ જોવા મળી રહી છે. આજે દેશમાં જે સંસ્થાઓ છે તે નબળી પડી ચુકી છે. તેઓએ આ પ્રસંગે ઈન્દિરા ગાંધી અને પિતા રાજીવ ગાંધીના પ્રસંગોનું પણ સંસ્મરણ કર્યું હતું.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.