‘Tiranga Yatra: 2024’ Surat
સુરત ખાતે કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને ભવ્ય ‘તિરંગા પદયાત્રા’ યોજાઈ હતી. હજારો સુરતવાસીઓની ઉપસ્થિતિથી સમગ્ર માહોલ તિરંગામય બન્યો હતો અને દેશભક્તિના રંગમાં સમગ્ર સુરત રંગાયું હતું.
યાત્રાના રૂટ પર વિવિધ રાજ્યના સાંસ્કૃત્તિક ગ્રુપો, શાળાના વિદ્યાર્થીઓ, યુવાનોએ પારંપરિક સાંસ્કૃતિક પહેરવેશમાં દેશભક્તિની રંગારંગ કૃતિઓ રજૂ કરી ‘તિરંગા પદયાત્રા’માં જોડાયેલા પદયાત્રીઓને ઉમળકાભેર આવકાર્યા હતા. મિની ભારત સુરતમાં વસેલા વિવિધ રાજ્યના સાંસ્કૃત્તિક ગ્રુપો અને તેમની નૃત્ય પ્રસ્તુતિઓ લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી.
રમત-ગમત યુવા સેવા અને સાંસ્કૃતિક પ્રવૃતિઓના વિભાગ-ગાંધીનગર અને સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત ‘તિરંગા પદયાત્રા’ને તિરંગો લહેરાવી કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી.આર.પાટીલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી, શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલભાઈ પાનશેરિયા, વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી મુકેશભાઈ પટેલ સહિતના મહાનુભાવોએ પ્રસ્થાન કરાવ્યું હતું. સાથોસાથ મંત્રીગણ અને મહાનુભાવો તિરંગા યાત્રામાં શહેરીજનો સાથે પગપાળા ચાલીને સહભાગી થયા હતા. વાય જંક્શનથી લાલભાઈ કોન્ટ્રાક્ટર ક્રિકેટ સ્ટેડિયમ સુધી બે કિલોમીટર સુધીના તિરંગા યાત્રામાં હજારો સુરતીઓ તિરંગા યાત્રામાં સહભાગી થયા હતા, સાથોસાથ મંત્રી અને મહાનુભાવો પણ તિરંગા લહેરાવી જોડાયા હતા. મહાનુભાવોએ પણ તિરંગો લહેરાવી શહેરીજનોનું અભિવાદન ઝીલ્યું હતું.
કાર્યક્રમના અંતે મંત્રીઓ સહિત ઉપસ્થિત સૌએ ઘરે ઘરે તિરંગો ફરકે એવા સંકલ્પ સાથે તા.૯ થી ૧૫ ઓગસ્ટ દરમિયાન તિરંગાને માન-સન્માન સાથે લહેરાવવાના સામૂહિક શપથ ગ્રહણ કર્યા હતા.
તિરંગાયાત્રાનો પ્રારંભ સિવિલ ડિફેન્સના ડિવિઝનલ વોર્ડન અને સમાજસેવક પ્રકાશકુમાર વેકરિયાના ગગનભેદી શંખનાદ સાથે થયો હતો.
તિરંગાયાત્રામાં સાંસદ સર્વ મુકેશભાઈ પટેલ, સાંસદ પ્રભુભાઈ વસાવા, ધારાસભ્ય સર્વ પૂર્ણેશભાઈ મોદી, વિનોદભાઈ મોરડિયા, અરવિંદ રાણા, પ્રવિણ ઘોઘારી, સંગીતા પાટિલ, મનુ પટેલ, કિશોરભાઈ કાનાણી, સંદીપ દેસાઈ, કાંતિ બલર, પૂર્વ કેન્દ્રીય મંત્રી અને પૂર્વ સાંસદ દર્શનાબહેન જરદોશ, મેયર દક્ષેશભાઈ માવાણી, મ્યુ.કમિશનર શાલિની અગ્રવાલ, જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધી, જિલ્લા વિકાસ અધિકારી શિવાની ગોયલ, પોલીસ કમિશનર અનુપમસિંહ ગહલૌત, સિટી પ્રાંત અધિકારી વિક્રમ ભંડારી સહિત જિલ્લા વહીવટીતંત્ર અને પાલિકાના અધિકારીઓ, હજારો યુવાનો, વિદ્યાર્થીઓ, નાગરિકો જોડાયા હતા.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.