સોમનાથ—આ માત્ર એક મંદિર નથી, પરંતુ ભારતની આત્માનો ધબકાર છે. ગુજરાતના પ્રભાસ પાટણ ખાતે અરબી સમુદ્રના કિનારે સ્થિત સોમનાથ મંદિર ભારતની પ્રાચીન સંસ્કૃતિ, અતૂટ આસ્થા અને અડગ સ્વાભિમાનનું જીવંત પ્રતીક છે. જ્યારે “સોમનાથ” શબ્દ કાનમાં પડે છે, ત્યારે મન ગૌરવથી ભરાઈ જાય છે અને હૃદયમાં શ્રદ્ધાનો દીવો પ્રગટે છે.

જાન્યુઆરી 1026માં ગઝનીના મહમૂદે સોમનાથ પર કરેલો આક્રમણ ઇતિહાસનું એક ક્રૂર અધ્યાય છે. આ આક્રમણ માત્ર પથ્થરના મંદિર પર નહોતું, પરંતુ ભારતીય સંસ્કૃતિ, આસ્થા અને આત્મસન્માન પર હતું. છતાં, એક હજાર વર્ષ બાદ પણ સોમનાથ અડગ ઊભું છે—આક્રમણકારોની નાશવંત માનસિકતાને પડકાર આપતું.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોમનાથ પર ગઝનવીના આક્રમણના 1000 વર્ષ પૂર્ણ થવા નિમિત્તે લખેલા પોતાના લેખમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, “આ વિધ્વંસની વાર્તા નથી, પરંતુ આપણા સ્વાભિમાનની ગાથા છે; જેઓ નાશ કરે છે, તેઓ નાશ પામે છે.” આ વાક્ય માત્ર રાજકીય નિવેદન નથી, પરંતુ હજારો વર્ષોની ભારતીય ચેતનાનો નાદ છે.
સોમનાથનું મહાત્મ્ય શાસ્ત્રોમાં પણ વર્ણવાયું છે. દ્વાદશ જ્યોતિર્લિંગ સ્તોત્રમમાં સૌરાષ્ટ્રે સોમનાથં ચ… કહીને પ્રથમ જ્યોતિર્લિંગ તરીકે તેનો ઉલ્લેખ થાય છે. શિવપુરાણ અનુસાર, સોમનાથના દર્શનથી મનુષ્ય પાપમુક્ત થાય છે અને મનવાંછિત ફળ પ્રાપ્ત કરે છે. આ જ કારણે સોમનાથ કરોડો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર રહ્યો છે.

આક્રમણો બાદ પણ સોમનાથ વારંવાર પુનઃનિર્મિત થતો રહ્યો. સમયાંતરે થયેલા આ પુનરુત્થાનો ભારતની સહનશીલતા અને સંસ્કૃતિની અદમ્ય શક્તિને દર્શાવે છે. વર્તમાન મંદિરનું સ્વરૂપ 11 મે 1951ના રોજ સાકાર થયું. સંયોગવશાત્, વર્ષ 2026 સોમનાથના પુનર્નિર્માણના 75 વર્ષ પૂર્ણ થવાનું વર્ષ પણ છે—એક ઐતિહાસિક અને ભાવનાત્મક સંયોગ.

આઝાદી બાદ સોમનાથ મંદિરના પુનર્નિર્માણની જવાબદારી સરદાર વલ્લભભાઈ પટેલે સંભાળી. 1947ની દિવાળીએ સોમનાથની મુલાકાત બાદ તેમણે દ્રઢ સંકલ્પ કર્યો કે અહીં ભવ્ય મંદિર ફરી ઊભું થશે. કે.એમ. મુનશી જેવા વિદ્વાનોએ આ પ્રયાસને બૌદ્ધિક અને સાંસ્કૃતિક આધાર આપ્યો. મુનશીનું પુસ્તક ‘સોમનાથ: ધ શ્રાઇન ઇટરનલ’ આજે પણ પ્રેરણાનું સ્ત્રોત છે.

પ્રધાનમંત્રી મોદીએ પોતાના લેખમાં એક મહત્વપૂર્ણ ઐતિહાસિક સંદર્ભ પણ આપ્યો છે—કે તે સમયના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ રાષ્ટ્રપતિ ડો. રાજેન્દ્ર પ્રસાદ સોમનાથના કાર્યક્રમમાં હાજરી આપે તે ઇચ્છતા નહોતા. તેમનું માનવું હતું કે આથી ભારતની છબી ખરાબ થશે. પરંતુ રાજેન્દ્ર બાબુ અડગ રહ્યા અને તેમણે આ સમારોહમાં હાજરી આપી, જેના પરિણામે એક નવો ઇતિહાસ રચાયો.

સોમનાથ માત્ર ધાર્મિક કેન્દ્ર નહીં, પરંતુ ભારતની આર્થિક અને સમુદ્રી સમૃદ્ધિનું પણ પ્રતીક હતું. દરિયાઈ વેપારીઓ અને નાવિકો તેના વૈભવની કથાઓ દૂર દેશો સુધી લઈ ગયા હતા. આ વૈભવ જ વિદેશી આક્રમણકારોને આકર્ષતું હતું, પરંતુ તેઓ ભારતીય આત્માને કદી લૂંટી શક્યા નહીં.

મોદીના શબ્દોમાં, “જો હજાર વર્ષ પહેલાં ખંડિત થયેલું સોમનાથ મંદિર સંપૂર્ણ વૈભવ સાથે ફરી ઊભું થઈ શકે છે, તો આપણે હજાર વર્ષ પહેલાંનું સમૃદ્ધ ભારત પણ ફરી બનાવી શકીએ.” આ વિચાર માત્ર ભૂતકાળની સ્મૃતિ નથી, પરંતુ ભવિષ્ય માટેનું આહ્વાન છે.
આજે “સોમનાથ સ્વાભિમાન પર્વ” જેવા કાર્યક્રમો દ્વારા આપણે માત્ર ઇતિહાસને યાદ નથી કરતા, પરંતુ આપણા સંસ્કાર, આત્મવિશ્વાસ અને રાષ્ટ્રીય ચેતનાને પુનર્જાગૃત કરીએ છીએ. સોમનાથ આપણને શીખવે છે કે વિનાશ અંત નથી—આસ્થા અને સ્વાભિમાન સાથે પુનરુત્થાન શક્ય છે.