મુસ્લિમ બહુમતી ધરાવતા ઓમાનની રાજધાની મસ્કતમાં મહાદેવ પ્રત્યેની અખૂટ શ્રદ્ધા આજે પણ જીવંત છે—અને એ શ્રદ્ધાનો સૌથી પ્રબળ સાક્ષી છે ૧૨૫ વર્ષ જૂનું મોતીશ્વર મહાદેવ મંદિર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની ઇથોપિયાની સફળ મુલાકાત બાદ ઓમાન પહોંચતાં જે ઉષ્માભર્યું સ્વાગત મળ્યું, તે માત્ર રાજકીય મિત્રતાનું નહીં, પરંતુ ભારત–ઓમાનની સદીઓ જૂની સાંસ્કૃતિક આત્મીયતાનું પ્રતીક હતું. રસ્તાઓ પર ત્રિરંગો અને “મોદી–મોદી”ના નારા વચ્ચે આ વારસો વધુ પ્રગટ થયો.

મસ્કતના મુત્રાહ વિસ્તારમાં સ્થિત મોતીશ્વર મહાદેવ મંદિર અખાતના સૌથી પ્રાચીન હિન્દુ મંદિરોમાંનું એક માનવામાં આવે છે. ઈતિહાસ કહે છે કે ૧૫૦૦ના દાયકાથી ગુજરાતના કચ્છ પ્રદેશના ભાટિયા વેપારીઓ વેપાર માટે ઓમાનમાં વસ્યા હતા. સમુદ્ર માર્ગે વેપાર કરતાં આ વેપારીઓ માત્ર ધનસંપત્તિ નહીં, પરંતુ પોતાની શ્રદ્ધા, સંસ્કાર અને સનાતન પરંપરા પણ સાથે લાવ્યા. આશરે ૧૯૦૦ની આસપાસ તેમણે આ મંદિરનો શિલાન્યાસ કર્યો—જે આજે પણ સમયને ચીરતું ઊભું છે.

સમય જતાં, મંદિર માત્ર પૂજાનું સ્થળ નહીં, પરંતુ ઓમાનમાં વસતા ભારતીયો માટે સામૂહિક એકતાનું કેન્દ્ર બન્યું. ૧૯મી સદીમાં ગુજરાતી વેપારીઓનો પ્રભાવ વધતાં તેઓ સુલ્તાનો સાથે સૌહાર્દપૂર્ણ સંબંધો ધરાવતા. આ પરંપરાનો પ્રતિબિંબ ૧૯૯૯ના ભવ્ય નવીનીકરણમાં જોવા મળે છે. આજે અલ આલમ પેલેસ નજીક આવેલું મંદિર ભવ્યતા, શાંતિ અને સંસ્કૃતિનું સંયોજન રજૂ કરે છે.

આ મંદિર ઓમાનમાં વસતા ભારતીયો માટે પોતાની ઓળખ જાળવી રાખવાનો આધારસ્તંભ બન્યું છે. પેઢી દર પેઢી અહીં ધાર્મિક સંસ્કાર, ભાષા અને પરંપરાઓનું સંક્રમણ થતું રહ્યું છે. વેપાર, જીવન અને સંઘર્ષ વચ્ચે મંદિર એક એવું સ્થાન બન્યું છે જ્યાં ભારતીયતા જીવંત રહે છે. આજે પણ ભારતથી આવતા શ્રદ્ધાળુઓ અને પ્રવાસીઓ અહીં દર્શન માટે આવે છે અને મંદિરને ભારત–ઓમાન વચ્ચેની સદીયો જૂની સાંસ્કૃતિક મિત્રતાનું પ્રતીક માને છે.
રણમાં ચમત્કાર—કૂવો જે ક્યારેય સુકાતો નથી
ઓમાન રણપ્રદેશ છે—અહીં વરસાદ દુર્લભ અને પાણી અમૂલ્ય. છતાં, મોતીશ્વર મહાદેવ મંદિરના સંકુલમાં આવેલો પ્રાચીન કૂવો ભક્તોની શ્રદ્ધાનો ચમત્કાર ગણાય છે. દહકતી ગરમી અને દુષ્કાળ વચ્ચે પણ આ કૂવો ક્યારેય સુકાતો નથી. આસપાસ કુદરતી પાણીનો કોઈ સ્ત્રોત ન હોવા છતાં, આખું વર્ષ અહીં પાણી ઉપલબ્ધ રહે છે. મહાશિવરાત્રી જેવી મહાન ઉજવણી વખતે ૨૦,૦૦૦થી વધુ ભક્તો એકત્ર થાય, છતાં કૂવો મંદિરની શીતળતા અને જીવંતતા જાળવી રાખે છે—જે ભક્તો માટે મહાદેવની કૃપાનો જીવંત પુરાવો છે.

ત્રણ દેવતાઓનું આધ્યાત્મિક સંકુલ
મોતીશ્વર મંદિર માત્ર એક દેવસ્થાન નથી. અહીં શ્રી આદિ મોતીશ્વર મહાદેવ, શ્રી મોતીશ્વર મહાદેવ અને શ્રી હનુમાનજીને સમર્પિત અલગ અલગ મંદિરો છે. વ્યવસ્થિત સંચાલન, મુખ્ય પૂજારીની વિધિવત સેવા અને સ્વયંસેવકોની નિષ્ઠા મંદિરને આધ્યાત્મિક ઊંચાઈ આપે છે. વસંત પંચમી, રામ નવમી, હનુમાન જયંતિ, ગણેશ ચતુર્થી સહિતના તહેવારો અહીં ભારત જેવી જ ભક્તિભાવથી ઉજવાય છે.


મંદિર વહીવટ અને ઓમાની સરકાર વચ્ચેનું સુમેળ એ વાતનો સાક્ષી છે કે મુસ્લિમ બહુમતી હોવા છતાં ઓમાન ધાર્મિક સ્વતંત્રતા અને ભારતીય સંસ્કૃતિને કેટલો આદર આપે છે. મસ્કતમાં ઊભેલું આ મંદિર માત્ર પથ્થરનું માળખું નથી—એ સદીઓની શ્રદ્ધા, સંસ્કૃતિ અને સહઅસ્તિત્વની અખંડ ગાથા છે, જ્યાં રણમાં પણ મહાદેવની કૃપા અવિરત વહેતી રહે છે.