નવસારી, 28 સપ્ટેમ્બર 2025 (ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત): નવસારી જિલ્લાના વાંસદા તાલુકાના ઝુજ ગામમાં રહેતા ત્રણ ગરીબ આદિવાસી પરિવારોને જમીન હડપવાના ખોટા આરોપોમાં વારંવાર ફસાવીને હેરાન કરવાના આરોપમાં સુરતના પાંચ વ્યક્તિઓ વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. આ મામલો આદિવાસી સમુદાયના અધિકારો અને જમીન વિવાદને લઈને ગંભીર બન્યો છે, જ્યાં પીડિત પરિવારોને જાતિગત ગાળો અને જાનથી મારી નાખવાની ધમકીઓ આપવામાં આવી છે.
પીડિત પરિવારોના સભ્યોએ જણાવ્યું કે, સુરતમાં રહેતા હિતેશ પુરોહિત, અક્ષય પુરોહિત, વકીલ અવનીશ પંડ્યા, નિમેષ પુરોહિત અને મંથન પુરોહિતે તેમના વિરુદ્ધ જમીન હડપવાના ખોટા આરોપોવાળી અરજીઓ વારંવાર કરી છે. વર્ષ 2024માં પણ આવી એક અરજી કલેક્ટર કચેરીમાં કરવામાં આવી હતી, જેના આધારે પરિવારોને સતત કનડગત કરવામાં આવી રહ્યા છે. આ અરજીઓને કારણે પરિવારોને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા છે. ત્યારબાદ, આ વ્યક્તિઓ પરિવારોના ઘર અને ખેતરમાં પહોંચીને તેમને ધમકીઓ આપવા લાગ્યા. તેમણે જાતિગત ગાળો આપીને કહ્યું કે, “જમીન છોડી દો, નહીં તો તમારી સાથે બહુ જ ખરાબ થશે.” વધુમાં, તેઓએ દાવો કર્યો કે, “તમે અમારું કંઈ તોડી શકશો નહીં, અમારી પહોંચ પીએમ ઓફિસ સુધી છે.”
એક પીડિત આદિવાસી સભ્યએ કહ્યું, “અમે ગરીબ આદિવાસી છીએ અને અમારી જમીન અમારા જીવનનો આધાર છે. અમે ખેતી કરીને મુશ્કેલીથી જીવન વિતાવીએ છીએ. આ લોકો અમને ખોટી અરજીઓ કરીને હેરાન કરી રહ્યા છે અને હવે ધમકીઓ આપી રહ્યા છે. અમને ન્યાય મળવો જોઈએ.”
સ્થાનિક પોલીસને આ મામલાની ફરિયાદ કરવામાં આવી છે, પરંતુ પોલીસ તંત્રની નિષ્ક્રિયતાએ પીડિતોની ચિંતા વધારી છે. હજુ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી, અને સ્થાનિક પીઆઈ એન. એમ. આહીરની ભૂમિકા પર પણ સવાલો ઉઠી રહ્યા છે. તેઓ પીડિત આદિવાસીઓને બોલાવીને તેમના જવાબો લે છે, પરંતુ આરોપીઓને તેવી જ કાળજી રાખે છે, જેના કારણે પોલીસની નિષ્પક્ષતા પર શંકા ઉભી થઈ છે. આ બાબત મીડિયાના ધ્યાનમાં આવી તેથી લોકલ અને નેશનલ મીડિયા આ પ્રકરણને ગંભીરતાથી લઈને તપાસની માંગ કરી રહ્યા છે.

આ પ્રકારના વિવાદો ગુજરાતના આદિવાસી વિસ્તારોમાં વારંવાર જોવા મળે છે, જ્યાં જમીન હડપવાના પ્રયાસોને કારણે સમુદાયને મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. ગરીબ આદિવાસી પરિવારોની મુશ્કેલીઓને લઈને ચિંતા વ્યક્ત કરવામાં આવી છે. ત્રણ પરિવારોએ ખોટી અરજીઓ અને ધમકીઓ આપનારા વિરુદ્ધ ફરિયાદ કરી હોવા છતાં કાર્યવાહી ન થઈ હોય તો તે દુઃખદ છે.
પોલીસ તંત્રની નિષ્ક્રિયતા ચિંતાજનક છે. ભારતમાં આદિવાસી અધિકારોને લગતા કાયદાઓ, જેમ કે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) એક્ટ, 1989 હેઠળ આદિવાસી પરિવારોને જમીન અને અધિકારોનું રક્ષણ મળે છે. આ ધારાની કલમ 3(1)(r) અને 3(1)(z) હેઠળ, તથા કલમ 18A(1)(a) અને (b) અનુસાર, જમીન હડપ, ધમકીઓ અને જાતિગત ગાળો જેવા મામલાઓમાં તાત્કાલિક તપાસ અને એફઆઈઆર નોંધવી જરૂરી છે. જો કે, ગુજરાત અને અન્ય આદિવાસી વિસ્તારોમાં આવા કેસોમાં વિલંબ અને અપૂર્ણ કાર્યવાહીના અનેક ઉદાહરણો જોવા મળે છે, જેમ કે વન વિભાગના અધિકારીઓ અથવા પ્રભાવશાળી વ્યક્તિઓના દબાણને કારણે.
આ મામલો આદિવાસી અધિકારોના રક્ષણ અને જમીન વિવાદના ન્યાયી નિરાકરણની જરૂરિયાતને ઉજાગર કરે છે. વધુ વિગતો માટે તપાસ ચાલુ છે. પત્રકારિતાના ધર્મને ધ્યાનમાં રાખીને ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત આ સમાચારને ગંભીરતાથી નોંધે છે અને આદિવાસીઓને થતા અન્યાયને હંમેશા ઉજાગર કરતા રહીશું.