સુરતના અશ્વિનીકુમાર રોડ પર રહેતા અનુભવી હીરા વેપારી અંકુશભાઈ મધુભાઈ નાકરાણીને સિટીલાઈટ વિસ્તારના સોનાણી પરિવારની ત્રિપુટીએ ૪૯.૯૬ કરોડની મહાઠગાઈ આચરી હોવાનો ચોંકાવનારો કેસ સામે આવ્યો છે. આ કેસમાં ગુજરાત સીઆઈડી ક્રાઈમ પોલીસની કાર્યવાહી પર ગંભીર સવાલો ઉઠી રહ્યા છે. આરોપી જયમ સોનાણીને સુરત એરપોર્ટ પરથી પકડીને પોલીસ વાહનમાં લાવવામાં આવ્યા બાદ, તેમને અચાનક ‘વિદાય’ આપવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે, જેના કારણે સીઆઈડી અધિકારીઓનું મૌન અને ઉડાવ જવાબો શંકા ઉભી કરી રહ્યા છે.

આ કેસની વિગતો અનુસાર, ઘોડદોડ રોડ પર લેબગ્રોન ડાયમંડનો શો-રૂમ ધરાવતા મહેશભાઈ ભગવાનભાઈ સોનાણી અને તેમના પુત્રો જયમ તથા અગસ્ત્યે અંકુશભાઈને અદ્યતન CVD મશીન આધારિત હીરા ઉત્પાદન ટેક્નોલોજીની લાલચ આપી હતી. વર્ષ ૨૦૨૧માં ડાયમ ટેક પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર તરીકેના આરોપીઓએ દાવો કર્યો હતો કે તેમની ટેક્નોલોજી પ્રતિ સિસ્ટમ પ્રતિ માસ ૧૫૦૦ કેરેટ રફ હીરાનું ઉત્પાદન કરી શકે છે. આ લોભામણી ઓફરમાં આવીને અંકુશભાઈએ ૧૬ સિસ્ટમ શરૂ કરવા ૨૬.૬૦ કરોડનું રોકાણ કર્યું. કરાર મુજબ ૯૦ દિવસમાં હીરા અને પેમેન્ટ પરત થવાનું હતું, પરંતુ આરોપીઓએ કોઈ પ્રગતિ ન બતાવી.
આ ઉપરાંત, આરોપીઓએ ચાલબાજી કરીને અંકુશભાઈની કંપનીના રફ હીરા અમેરિકાની સિગ્નેટ કંપનીને વેચવાની ડીલ પોતે સંભાળી લીધી. આ વ્યવહારમાં ૨૩.૩૫ કરોડના હીરાનું વેચાણ થયું, પરંતુ તેનું પેમેન્ટ અંકુશભાઈને ચૂકવાયું નહીં. આમ, રોકાણના ૨૬.૬૦ કરોડ અને વેચાણના ૨૩.૩૫ કરોડ મળીને કુલ ૪૯.૯૫ કરોડની ઉચાપત થઈ. જ્યારે અંકુશભાઈએ પૈસા પરત માગ્યા, તો આરોપીઓએ ના પાડી અને ધમકીઓ આપી. આખરે, અંકુશભાઈએ સીઆઈડી ક્રાઈમ પોલીસમાં ફરિયાદ નોંધાવી.
ફરિયાદ બાદ સીઆઈડીએ આરોપીઓની શોધખોળ શરૂ કરી. જયમ સોનાણીનું લોકેશન સુરત એરપોર્ટ પર ટ્રેસ થતાં પોલીસે તેને પકડી લીધો અને સરકારી બોલેરો ગાડી (નંબર જીજે ૧૮ જીસી ૬૭૦)માં અઠવાગેટની બહુમાળી બિલ્ડીંગમાં આવેલી સીઆઈડી ઓફિસે લઈ ગઈ. આ કાર્યવાહીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો, જેમાં પોલીસકર્મીઓ આરોપીને એરપોર્ટમાંથી બહાર લાવી ગાડીમાં બેસાડતા દેખાય છે.
પરંતુ, કેસમાં અચાનક વળાંક આવ્યો. સૂત્રો અનુસાર, પૂછપરછ દરમિયાન એક ફોર્ચ્યુનર ગાડીમાં બે વ્યક્તિઓ બહુમાળી પહોંચ્યા અને કેસ સાથે સંકળાયેલા ઇન્સ્પેક્ટર સાથે સવા કલાક મિટિંગ કરી. આ મિટિંગ પછી, જયમ સોનાણીને ફોર્ચ્યુનરમાં બેસાડીને ‘વિદાય’ આપી દેવામાં આવ્યો. આ ઘટના બાદ ત્રણ દિવસ વીત્યા છતાં સીઆઈડીએ આરોપીની ધરપકડ કે અટકાયત અંગે કોઈ સત્તાવાર માહિતી આપી નથી, જેના કારણે પોલીસની કાર્યવાહી પર શંકા ઉભી થઈ છે.

સુરતના એસીપી એ. કેપ્ટને જણાવ્યું કે, ફરિયાદ સુરતમાં દાખલ છે, પરંતુ તપાસ ગાંધીનગરના પીઆઈ દ્વારા થઈ રહી છે. જોઇન્ટ કમિશનર અજય ચૌધરીએ કહ્યું કે, તેઓ મિટિંગમાં છે અને કેસની વિગતો નથી, મેસેજ દ્વારા માહિતી આપો તો તપાસીશ. આ અધિકારીઓનું મૌન અને ઉડાવ જવાબો સૂચવે છે કે આ મહાઠગાઈ કેસમાં વગદાર વ્યક્તિઓનું દબાણ હોઈ શકે છે, જેના કારણે સીઆઈડીની કાર્યવાહી થંભી ગઈ છે.
આ ઘટનાએ સુરતના હીરા ઉદ્યોગમાં ખળભળાટ મચાવ્યો છે. વેપારીઓમાં વિશ્વાસ જળવાઈ રહે તે માટે આ કેસમાં પારદર્શક તપાસ અને ન્યાયની માગ ઉઠી રહી છે. સીઆઈડીની નિષ્ક્રિયતા અને આરોપીની રહસ્યમય રજા આ કેસને વધુ જટિલ બનાવી રહી છે