World Entrepreneurship Day
તા.૨૧ ઓગષ્ટ – વિશ્વ ઉદ્યમિતા દિવસની ઉજવણી અંતર્ગત ઉધના મગદલ્લા સ્થિત વીર નર્મદ યુનિવર્સિટીના કોન્ફરન્સ હોલ ખાતે કુલપતિ કિશોરસિંહ ચાવડાની અધ્યક્ષતામાં પત્રકારો સાથે સંવાદ યોજાયો હતો. વિશ્વ ઉદ્યોગસાહસિકતા દિવસ હેઠળ વડાપ્રધાન નરેન્દ્ર ભાઇ મોદીના આત્મનિર્ભર ભારતના સ્વપ્નને સાકાર કરવા સ્વદેશી જાગરણ મંચના સ્વાવલંબી ભારત અભિયાન હેઠળ સ્થાનિક સ્વરોજગારને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશની વિગતે ચર્ચા કરી હતી.
સ્વદેશી જાગરણ મંચના રાષ્ટ્રીય સંગઠન મંત્રી કશ્મીરી લાલ દ્વારા યુવાઓમાં સ્વરોજગાર અને લઘુ કુટિર ઉદ્યોગો દ્વારા અર્થોપાર્જન કરવાની વૃત્તિનો વિકાસ થાય અને નોકરી ઇચ્છુકની જગ્યાએ નોકરી આપનાર બને તે માટે સ્વદેશી જાગરણ મંચ દ્વારા કરવામાં આવતા વિશેષ પ્રયત્નોની માહિતી આપી હતી. પત્રકારો સાથે પ્રશ્નોત્તરીના માધ્યમથી આ વિષયના ઊંડાણમાં તેમણે નોકરી પ્રત્યેની આજના યુવાઓની માનસિકતા બદલવાની વાત કરી હતી. સાથે જ વિદેશમાં જઈ નવી ટેકનૉલોજીનું જ્ઞાન મેળવી તેનો ઉપયોગ સ્વદેશી ઉદ્યોગો વિકસાવવા થતાં ‘બ્રેઇન ગેઈન’ વિષે ચર્ચા કરી હતી. તેમજ નવા ઉદ્યોગ સાહસિકો માટે સરકાર દ્વારા કાર્યરત વિવિધ યોજનાકીય સહાયની માહિતી પણ આપવામાં આવી હતી.
આ તકે યુનિવર્સિટીના કુલપતિ કિશોરસિંહ ચાવડાએ નવી શિક્ષણનીતિને આધારે ચાલતા સર્ટિફિકેટ કોર્સની માહિતી આપી હતી. તો યુવાઓમાં ઉદ્યમિતા કેળવવા યુનીવર્સિટીના પ્રાંગણમાં કાર્યરત સ્ટાર્ટ અપ સેલા વિષે પણ માહિતગાર કર્યા હતા. તેમજ નવા ઉદ્યોગોને પ્રોત્સાહન આપતી સરકારની વિવિધ યોજનાઓની વાત પણ કરી હતી.
આ સાથે જ યુનિવર્સિટીના સાયન્સ સેન્ટર ખાતે વિદ્યાર્થીઓને સચોટ માર્ગદર્શન આપી આવનારા સમય માટે તૈયાર કરનારા શિક્ષકો સાથે પણ સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં નવી શિક્ષણનીતિને અનુલક્ષીને યુવા પેઢીને આર્થિક ઉપાર્જન માટે સ્વાવલંબી બનાવવા પ્રોત્સાહન કરવા શિક્ષકોને અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે વીર નર્મદ યુનિવર્સિટીના સબ રજીસ્ટ્રાર આર.સી.ગઢવી, સ્વદેશી જાગરણ મંચના મનોહર લાલ અને ડો.રાતના ત્રિવેદી સહિત અન્ય સદસ્યો તેમજ ટીવી અને પ્રિન્ટ મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.