School Entrance Festival
‘શાળા પ્રવેશોત્સવ-કન્યા કેળવણી મહોત્સવ-૨૦૨૪’ના ત્રીજા દિવસે કામરેજ તાલુકાની પીએમશ્રી વાવ પ્રાથમિક શાળા તથા BNB હાઈસ્કુલ-માધ્યમિક શાળા ખાતે જિલ્લા કલેક્ટર ડો.સૌરભ પારધીએ શાળાઓમાં આંગણવાડી અને બાલવાટિકાના બાળકોને કુમકુમ તિલક કરી કંકુપગલા કરાવી પ્રવેશ કરાવી નામાંકન કરાવ્યું હતું. ખાસ કરીને જીવનભરનું સંભારણું બનાવવા સૌપ્રથમવાર શાળાએ આવેલા બાળકોના કુમકુમ પગલાં પડાવી બાળકોને પગલાની છાપની ભેટ અપાવામાં આવી હતી.
સુરત જિલ્લાના કામરેજ તાલુકાની પી.એમ.શ્રી વાવ પ્રાથમિક શાળા ખાતે ૬ બાળકોને આંગણવાડીમાં, ૪૧ બાળકોને બાળવાટિકા તેમજ ધો-૧માં ૧૦ બાળકોને અને વાવ ગામની BNB હાઈસ્કુલ-માધ્યમિક શાળામાં ૨૪૦ વિદ્યાર્થીઓએ પ્રવેશ અપાવ્યો હતો.
જિલ્લા કલેક્ટરે શાળામાં પ્રવેશ મેળવનાર બાળકોને ઉજ્જવળ ભવિષ્યની તેમના જીવન ઘડતરની શરૂઆતની શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું હતું કે, બાળકના જીવન ઘડતરનો પાયો શિક્ષણ છે. આ સાથે વડાપ્રધાનશ્રીએ શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવને કારણે છેવાડાના વિસ્તારમાં રહેતા દીકરા-દીકરીઓના શિક્ષણમાં વધારો થઈ રહ્યો છે. પહેલાના સમય બાળકો શાળાએ રડતા રડતા આવતા હતા, પણ હવે શાળાના આધુનિકરણ અને નવી સુવિધાઓના કારણે બાળકો હસતા રમતા આંગણવાડી અને બાલવાટિકામાં જોવા મળી રહ્યા છે. બાળકના જીવનઘડતરમાં ઉપયોગી તેવી બીજી બાબત તેનામાં ઉત્તમ સર્જનશક્તિનું નિર્માણ થાય તેવું શિક્ષકો સાથે પરિવારે પણ ધ્યાન આપવું જોઈએ.
વધુમાં વિદ્યાર્થીઓના ઉચ્ચ અભ્યાસ માટે અને કારકિર્દી ઘડતર માટે અનેક કલ્યાણકારી યોજનાઓ અમલી પણ છે તેનો વિદ્યાર્થીઓ તેનો વધુ લાભ લઈને ઉજ્જવળ ભવિષ્યનું ઘડતર કરે તેવો તેમણે અનુરોધ કર્યો હતો. બાળકના જીવન ઘડતરમાં શિક્ષણનું મહત્વ રહેલું છે.
ભૂલકાઓને શિક્ષણ માટે પ્રોત્સાહન આપવાના હેતુસર મહાનુભાવોના હસ્તે ચિત્રપોથી, ગણવેશ સહિત ઉપહાર આપવામાં આવ્યા હતા. તેમજ સંકલિત બાળ વિકાસ યોજના કચેરી કામરેજ તરફથી આંગણવાડીના બાળકોને ચિત્રપોથી અને યુનિફોર્મની ભેટ પ્રોત્સાહન રૂપે આપવામાં આવી હતી.
ક્લેક્ટરશ્રીએ શાળામાં ઉપલબ્ધ ‘સ્માર્ટ’ સુવિધાઓનું નિરીક્ષણ કરી વિદ્યાર્થીઓ સાથે સહજ સંવાદ સાધ્યો હતો. તેમણે શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરી પર્યાવરણના જતન માટે મહત્તમ વૃક્ષારોપણ કરવાનું આહ્વાન કર્યું હતું. વાવ પ્રાથમિક શાળા માટે બે કરોડથી વધુનું દાન આપનાર દાતા બાલુભાઈ પટેલને શાલ ઓઢાડી સન્માન કરાયું હતું. જ્ઞાનસાધના અને જ્ઞાનસેતુ પરીક્ષામાં સફળતા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓ તેમજ શાળામાં વર્ષ દરમિયાન ૧૦૦ ટકા હાજરી આપતા વિદ્યાર્થીઓને મહાનુભાવોનાં હસ્તે ટ્રોફી અર્પણ આપી સન્માનિત કરાયા હતા.
આ પ્રસંગે વાવ પ્રા.શાળા ખાતે જિલ્લા પ્રા. શિક્ષણાધિકારી જયેશ પટેલ, પ્રાંત અધિકારી વી.કે.પીપળીયા, મામલતદાર ડો.આર.એસ.ઠાકોર, તા.પંચાયત ઉપપ્રમુખશ્રી હર્ષદભાઈ, BRC કોર્ડીનેટર કમલેશભાઈ પરમાર, આચાર્ય પ્રજ્ઞાબેન પટેલ, તા.પ્રા.શિક્ષણ અધિકારી જ્યોતિબેન પટેલ, વાવ સરપંચ બાલુભાઈ પટેલ જ્યારે BNB હાઈસ્કુલ ખાતે જિલ્લા શિક્ષણ વિભાગના એજ્યુકેશન ઈન્સ્પેક્ટર તેજલબેન રાય, જીબીપી ટ્રસ્ટના હેમલતાબેન પરમાર, વાવ માધ્યમિક હાઈસ્કૂલના આચાર્ય જીજ્ઞેશભાઈ પટેલ શાળાના શિક્ષકગણ તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ-વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.
Get Current Updates on, India News, India News sports, India News Health along with India News Entertainment, and Headlines from India and around the world.